પહેલો શબ્દ
મહિનાઓ સુધી
ઘરમાં
અવાજો તો ઘણા હતા —
ટીવી, ફોન, કૂકરની સીટી, દલીલો.
પણ એક સવારે
પારણામાંથી
પહેલો શબ્દ આવ્યો:
‘મા.’
ને જાણે
આખું ઘર
પહેલી વાર
બોલતાં શીખ્યું.
ભાષાઓ તો
હજારો વર્ષ જૂની છે,
પણ દરેક ઘરમાં
એ ફરીથી જન્મે છે —
એક નાના હોઠ પરથી.
– પરાગ રતનપરા