← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો પ્રેમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તમે પાછળની પાટલીએ બેસતા, ને હું આગળની હારે,
તો ય ખબર ના પડી કે ક્યારે, તમે ઊતર્યા મારા ધારે.

ગણિતના તાસમાં રબ્બર માગ્યું, ને પાછું આપ્યું સહેજ હસીને,
એ રબ્બરથી મેં કંઈ ના ભૂંસ્યું, સાચવી રાખ્યું ચોપડીએ ઠસીને;
ભૂંસવાનું તો દૂર રહ્યું, હું તો લખતી ગઈ તમારે નામે.
તમે પાછળની પાટલીએ…

રિસેસમાં મારો ડબ્બો ખૂલે, ને તમે માગો થેપલું,
બહેનપણીઓ મશ્કરી કરે, ને મારું મોઢું થાય લાલ ગલગોટલું;
સાઇકલની ઘંટડી વાગે ત્યાં, હું ઊભી રહું જાણી જોઈ બારે.
તમે પાછળની પાટલીએ…

પરીક્ષા પૂરી, ને નિશાળ છૂટી, તમે ગયા કોઈ બીજે શહેર,
પરાગ કહે, પહેલો પ્રેમ તો, રહી જાય જીવનમાં લહેર;
આજે ય ચોપડી ખોલું તો, એ રબ્બર હસે છે મારે.
તમે પાછળની પાટલીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખછાપરાનું કાણુંઆગલો લેખ →રેડિયો