પહેલો પ્રેમ
પહેલો પ્રેમ તો પહેલો વરસાદ, સખી, પહેલો વરસાદ,
માટીમાંથી ઊઠે સુગંધ, ને રહી જાય આખી યાદ.
નિશાળની બારીએ બેસી જોયો’તો એક ચહેરો,
પાટી પર લખી ભૂંસ્યું નામ, પણ રંગ રહ્યો ગહેરો;
ચોકનો ભૂકો હાથે લાગ્યો, ને દિલમાં લાગ્યો સાદ…
પહેલો પ્રેમ…
પછી તો આવ્યા સંબંધો કૈં, નામ ને ઠામ સજાવ્યાં,
લગ્ન, ઘર, ને બાળક, સૌ સપનાં સુંદર વાવ્યાં;
પણ પહેલા પ્રેમનું પીંછું હજી ચોપડીમાં આબાદ…
પહેલો પ્રેમ…
પરાગ કહે: આ પહેલો પ્રેમ તો કદી ન પાછો આવે,
એ ભીની સાંજ, એ કંપતા હાથ, કોણ ફરી દેખાડે?
બાકી સઘળા સંબંધોમાં ખાલી નામનો સાદ…
પહેલો પ્રેમ…
– પરાગ રતનપરા