પહેલી વાર
નજર મળતાં જ આ ધરતી જરા ડોલી પહેલી વાર,
હૃદયની બંધ બારી કોઈએ ખોલી પહેલી વાર.
ઘણાં વરસો સુધી હોઠે હતાં તાળાં ઉદાસીનાં,
તને જોતાં ગઝલ જેવું કશું બોલી પહેલી વાર.
ફકીરી જિંદગી મારી, હથેળી સાવ ખાલી’તી,
તમે સ્મિત એક નાખ્યું ને ભરી ઝોલી પહેલી વાર.
હિસાબી થઈ બધું આ ત્રાજવે મૂક્યું હતું મેં તો,
હૃદયને મેં વિના કાંટે જરા તોલી પહેલી વાર.
પરાગે મ્હેક થઈ નાચ્યો, ગગન ઝૂમ્યું ઉમંગેથી,
હૃદયમાં ઢોલ જ્યાં વાગ્યો, થયો ઢોલી પહેલી વાર.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રથમપ્રેમ #પ્રેમ #યૌવન #ઉમંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #FirstLove #Romance #Youth #Joy #ParagRatanpara