પહેલી ઉત્તરાયણ
પહેલી ઉત્તરાયણ સાસરે, ને ધાબે ઊભી હું એકલી,
આભમાં પતંગો ઊડે, ને મારી આંખે પિયરની ઢેલડી.
બાપુ લાવતા ફિરકી-માંજો, ભાઈ બાંધતો કન્ના,
મા બનાવતી તલની ચીકી, ઊંધિયાના સરસ ભાણાં;
અહીં સૌ નવા ચહેરા વચ્ચે, હસું છું થોડું શરમાળી…
પહેલી ઉત્તરાયણ…
‘કાઈપો છે!’ની બૂમ પડે ત્યાં, હૈયું થડકી જાતું,
પિયરનો કોઈ પતંગ કપાયો, મનમાં એવું થાતું;
ત્યાં તો સાજન આવી બોલ્યા: ‘લે, તું પકડ આ દોરી વાળી…’
પહેલી ઉત્તરાયણ…
પરાગ કહે: આ દોરી તો બે ઘરને બાંધે છે,
એક છેડે છે બાપુનું આંગણ, બીજે સાજન સાંધે છે;
ઢીલ દઉં ત્યાં ઊડે સપનાં, ખેંચું ત્યાં ઘરની હેલી…
પહેલી ઉત્તરાયણ…
– પરાગ રતનપરા