પહેલી પંક્તિ
કવિતાની પહેલી પંક્તિ
દરવાજો નથી;
એ તો
બારણા પાસે
ઊભેલી
એક સંકોચભરી છોકરી છે —
અંદર આવું કે નહીં,
એ નક્કી ન કરી શકતી.
હું એને
ઉતાવળથી ખેંચું,
તો એ પાછી વળી જાય છે.
એને આવકારો આપું,
પાણી ધરું,
ચૂપ રહું —
તો ધીરેથી
એ પોતે જ
અંદર આવે છે,
ને પાછળ પાછળ
એનાં ભાઈ-બહેન,
એનાં સપનાં,
એની આખી નાત
ચાલી આવે છે.
એક સાંજે
આખી કવિતા
મારી ઓસરીમાં
બેઠી હોય છે,
ને હું
રસોડામાં
ચા મૂકતો હોઉં છું.
– પરાગ રતનપરા