← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલી નજર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પહેલી વાર મેં જોયો તને, ને મનમાં વાગ્યો ઢોલ,
આંખ મળી ને બોલી ગઈ હું વગર બોલ્યે બોલ.

મેળે ગઈ’તી ચકડોળમાં, તું ઊભો’તો નીચે,
ચકડોળ ફરતું રહ્યું, ને મારું મન ત્યાં ખેંચે;
ઉપર-નીચે, ઉપર-નીચે, હૈયું થયું હિંડોળ…
પહેલી વાર…

બંગડીવાળે પૂછ્યું: ‘કયો રંગ?’ મેં કીધું: ‘લાલ’,
તારા સાફાનો રંગ હતો, કોને ખબર એ ચાલ?
સખીઓ હસી, ને મેં સંતાડ્યા ગાલ ગુલાબી ગોળ…
પહેલી વાર…

પરાગ કહે: આ પહેલી પ્રીતનો રંગ કદી ના જાય,
ઘડપણ આવે, વાળ ધોળા, તોય ગાલ શરમાય;
પહેલો પ્રેમ એટલે જીવતરનું સૌથી મીઠું મોલ…
પહેલી વાર…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદીવા તરફઆગલો લેખ →છેલ્લી વાર