પગલાંની રંગોળી
ઉંબરે પાડી પગલાંની રંગોળી, ને ઓરડે અજવાળું,
દીકરી ગઈ સાસરે, તોયે ઘર લાગે નહીં કાળું.
પહેલી પગલી કંકુવાળી, વચલી હળદરવાળી,
છેલ્લી પગલી મેંદી રંગી, આંખે આંસુ ખાળી;
પગલે પગલે ચીતરી ગઈ એ યાદોનું ઉઘરાણું…
ઉંબરે પાડી પગલાંની…
ભીંતે એનો ઢીંગલો બેઠો, ખીંટીએ એનું ઝાંઝર,
દાદીમાના હોઠે એનું નામ, નયનમાં સાગર;
બાપુ બોલે ના કશું, પણ ભીનું એમનું ભાણું…
ઉંબરે પાડી પગલાંની…
પરાગ કહે: આ પગલાં ભૂંસાય ના, વરસો વીતે ભલે,
દીકરી તો જ્યાં જાય ત્યાં બે ઘરનાં દીવા જલે;
પગલાં ઝાંખાં થાય, પણ હેત કદી ના થાય ઝાંખું…
ઉંબરે પાડી પગલાંની…
– પરાગ રતનપરા