માની જશે
રૂસણું છોડી સવારે માનિની માની જશે,
ગાજશે, ઝબકારશે, ને દામિની માની જશે.
પૂનમે અમથું ભલે કો વાદળું આડું પડે,
વાદળો ખસતાં જ ધીમે ચાંદની માની જશે.
તાર તૂટ્યો, સૂર રૂઠ્યો, સાંજ સૂની છે હવે,
તાર બાંધો નેહનો, આ રાગિણી માની જશે.
શ્રીમતી રૂઠી, રસોડે બંધ ચૂલો, ચા નથી,
એક સાડી લાવજો, ને ભામિની માની જશે!
આ પરાગે રાતરાણીને લખી કાગળ, હવે
મ્હેકથી રૂઠેલ કાળી યામિની માની જશે.
– પરાગ રતનપરા
#ગઝલ #રિસામણાં #મનામણાં #પ્રેમ #દાંપત્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #LoversQuarrel #MakingUp #Romance #MarriedLife #ParagRatanpara