પડોશી
દસ વરસથી
અમે એક જ દીવાલની
બે બાજુ રહીએ છીએ.
હું એનો નળ ઓળખું છું —
સવારે છ ને દસે ખખડે.
એના વઘારની હિંગ ઓળખું છું,
એના બાળકનું રડવું,
એના ટીવીના સમાચારની બૂમો,
ને રાતે બે વાગ્યે ખાંસતો એનો શ્વાસ.
લિફ્ટમાં મળીએ ત્યારે
અમે બંને
મોબાઇલમાં જોઈ લઈએ છીએ.
આજે સવારે
એના બારણે ગલગોટાની માળા હતી,
ને એક છાપેલો કાગળ ચોંટાડેલો —
‘સ્વ. રમણીકલાલ…’
દસ વરસે
મને એનું નામ ખબર પડ્યું.
ને આજે રાતે બે વાગ્યે
દીવાલની પેલી બાજુ
પહેલી વાર
કોઈ ન ખાંસ્યું —
તોય મને
ઊંઘ ન આવી.
– પરાગ રતનપરા