← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પડઘો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૂવામાં હું નામ તમારું નાખું ને પડઘો પાછો આવે,
પડઘો પાછો આવે રે, પણ તમને કોણ લાવે?

નાનપણમાં આ જ કૂવે આપણે ગાતાં’તાં ગીત ઝીણાં,
હું ‘ઓ…’ બોલું, તમે ‘હો…’ બોલો, ને પડઘા થાતા ભીના;
હવે એકલો ‘ઓ…’ બોલું, ને ‘હો…’ કોઈ ન ગાવે…
કૂવામાં હું…

કૂવે વળગી પીપળ ઊગી, કૂવો થઈ ગયો ખાલી,
દોરડું ગયું, ગરગડી ગઈ, ગઈ પનિહારી વાલી;
તોય તળિયે ઝબકે તારો, જાણે કોઈ બોલાવે…
કૂવામાં હું…

પરાગ કહે: જે સાદ ન પહોંચે, એ સાદ ખોટો નહીં,
પડઘો પાછો વળે, એ તો કહેતો: ‘હું છું અહીં’;
સાદ પાડતો રહેજે, ભેરુ, એક દિ’ સામો સાદ આવે…
કૂવામાં હું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખડાંગરનું ગીતઆગલો લેખ →રાજી