પાવાગઢ
ડુંગરે ડુંગરે દીવડા બળે ને પાવાગઢ ઝળહળે,
માડી, તારાં પગથિયાં ચડતાં થાક્યા પગ પણ ગરબે વળે.
વહેલી સવારે ચાલ્યો સંઘ, ઢોલ નગારાં ગાજે,
કોઈ ઉઘાડે પગે ચડે, કોઈ માથે ગરબો સાજે;
હાંફતી ડોશી બોલે: ‘મા, તું જ ઝાલ મારો હાથ’, ને ચડે…
ડુંગરે ડુંગરે…
મંદિર શિખરે ધજા ફરકે, વાદળ નીચે સરકે,
ઘંટારવમાં હૈયું ધબકે, આંસુ આંખે ચમકે;
માડી, તારી ઝાંખી થઈ ત્યાં સઘળાં દુ:ખ ઓગળે…
ડુંગરે ડુંગરે…
પરાગ કહે: આ ડુંગર નથી, આ શ્રદ્ધાનો સાદ,
પગથિયે પગથિયે ઓગળે ‘હું’, રહે માનો પ્રસાદ;
ઊંચે ચડીને જોયું તો મા, તું ભીતર જ ઝળહળે…
ડુંગરે ડુંગરે…
– પરાગ રતનપરા