પારેવાની પાતી
ઝરૂખે બેઠું પારેવડું, પાંખે બાંધી પાતી રે,
વાંચું કેમ? હું અભણ ગોરી, હૈયું ધડકે છાતી રે.
ગામના ગોરને દેવા જાઉં, તો ગામ આખું જાણે,
સખીને આપું, તો એ ટીખળ કરશે સાંજને ટાણે;
છાતીએ ચાંપી રાખું, એમાં સુગંધ એની માતી રે…
ઝરૂખે બેઠું…
આંગળીએ અક્ષર પંપાળું, જાણે એનો હાથ,
ઝાંખાં ઝાંખાં ટપકાં જોઉં — આંસુ કે શાહીનો સાથ?
ભીનો ખૂણો કહી ગયો કે, એ ય જાગ્યો, સંગાથી રે…
ઝરૂખે બેઠું…
પરાગ કહે: અભણ ગોરી પણ પ્રેમ તો ભણી ગઈ,
અક્ષર વિના આખો કાગળ હૈયે વાંચી લઈ;
પ્રેમની ભાષા લિપિ વિનાની, આંખોથી જ વંચાતી રે…
ઝરૂખે બેઠું…
– પરાગ રતનપરા