પાર છે
મન વમળમાં ગોળ ઘૂમે, જાત પણ મઝધાર છે,
તોય તરતો હું રહું છું, ત્યાં કિનારે પ્યાર છે.
ડૂબવામાં ક્યાં કશું છે? પણ મને મા સાંભરી,
આંગણે ઊભી હશે ને એ જ મારો સાર છે.
આ તરફ મારું વતન ને એ તરફ પણ ગામ છે,
બેઉ વચ્ચે માત્ર થોડા કાંટ ને બે તાર છે.
લોક પૂછે, કેમ જીવ્યો આટલાં તોફાનમાં?
હાથમાં પતવાર ઓછી, પ્રાર્થના ભરમાર છે.
આ પરાગે ડૂબતાં પણ ગંધ ના છોડી કદી,
નીર પણ બોલ્યું, ‘તરે છે, ફૂલનો અવતાર છે’.
– પરાગ રતનપરા
#ગઝલ #વમળ #સંઘર્ષ #મા #સરહદ #પરાગરતનપરા
#GujaratiGhazal #Whirlpool #Survival #MothersWait #Borders #ParagRatanpara