દાદીની વારતા
ઓટલે ફાનસ તળે બાની ગજબ વાણી હતી,
એક રાજા, એક જંગલ, મ્હેલમાં રાણી હતી.
વારતા પૂરી થતાં પ્હેલાં જ ઊંઘ્યો રોજ હું,
ને પરીના દેશની સૌ ઊંઘમાં માણી હતી.
ગોળ ફરતો આંખ બાંધી એક ઘરડો બેલ ત્યાં,
જિંદગી પણ બા તણી એ તેલની ઘાણી હતી.
આજ મારા પૌત્રને મેં વારતા ભાખી, કહે:
‘યુટ્યુબે મેં ક્યારની એ વારતા જાણી હતી!’
આ પરાગે સાચવી છે ગંધ ખોળાની હજી,
જેમ સાડીની કિનારી રેશમે તાણી હતી.
– પરાગ રતનપરા
#ગઝલ #દાદીમા #વાર્તા #બાળપણ #સ્મૃતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #GrandmasStories #Childhood #Nostalgia #Generations #ParagRatanpara