પાનખરની બીક
મારી ડાળે કૂંપળ ફૂટી, મને પાનખરનું શું?
જેણે ખરવું શીખી લીધું, એને ડરવાનું શું?
ગયે વરસ સૌ પાન ખર્યાં’તાં, ઊભું’તું ઝાડ ઉઘાડું,
લોક કહે: ‘હવે ના મ્હોરે’, મેં તો મૂળ સંભાળ્યું;
ફાગણ આવ્યો, લીલું લીલું, હવે રડવાનું શું?
મારી ડાળે…
પવન આવે તો ઝૂલી લઉં, તડકો આવે તો તપું,
વરસાદ આવે તો નાહી લઉં, ને રાતે ચાંદને જપું;
ઋતુ ઋતુની રીત નિરાળી, એમાં લડવાનું શું?
મારી ડાળે…
પરાગ કહે: જે ખરે છે, એ જ પાછું ઊગે,
જે હારે છે, હસતાં હસતાં, એ જ આભને પૂગે;
માટીમાં મૂળ ઊંડાં હોય, તો પછી પડવાનું શું?
મારી ડાળે…
– પરાગ રતનપરા