જોયું અમે
મીણ થઈ દીવે બળીને પીગળી જોયું અમે,
ને સમંદરમાં ભળીને ઓગળી જોયું અમે.
શાસ્ત્ર વાંચ્યાં, ગ્રંથ વાંચ્યા, પંડિતો પાસે ગયા,
મૌન ઝાડોનું પછી તો સાંભળી જોયું અમે.
રોજ ઊંબર પર અટકતા પગ હતા, તો એક દી
બારણું ખોલી, ગલીમાં નીકળી જોયું અમે.
બાળ જેવા થઈ ફરી, વરસાદમાં ખાબોચિયે,
છબછબાટા ખૂબ કરતાં ઊછળી જોયું અમે.
આ પરાગે બીજ થઈ, માટી તળે પોઢી, પછી
ઝરમરે ભીંજાઈ ધીમે સળવળી જોયું અમે.
– પરાગ રતનપરા
#ગઝલ #અનુભવ #પ્રયોગ #જીવન #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Experience #TriedItAll #Surrender #Rebirth #ParagRatanpara