પાનખર
ઓસરીમાં શાલ ઓઢી સાવ ઊની પાનખર,
કરચલીમાં વારતાઓ ખૂબ જૂની પાનખર.
દાંત ના, ના કેશ કાળા, આંખમાં ઝાંખું બધું,
તોય પૌત્રો જોઈ થાતી હેત દૂની પાનખર.
પાંદડાં ખરતાં ગયાં ને ડાળ પર માળો હતો,
એટલે લાગી નહીં એ ખાસ સૂની પાનખર.
ઝાડ પરથી પાન ખરતું, ને ધરાને ખાતરો,
ને વસંતો કાજ જાણે સંત ધૂની પાનખર.
આ ‘પરાગે’ સાંજ ઢળતી જોઈ બાના હાસ્યમાં,
કેટલી કોમળ હતી એ શ્વેત રૂની પાનખર.
– પરાગ રતનપરા
#ગઝલ #વૃદ્ધાવસ્થા #દાદીમા #પાનખર #સ્નેહ #પરાગરતનપરા
#GujaratiGhazal #OldAge #Grandmother #AutumnOfLife #Tenderness #ParagRatanpara