← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાન ને ઝાકળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાન ઝીલે ઝાકળને, કે ઝાકળ પાનને ઝૂલે?
પ્રીતનું પૂછો તો, બેનાં મન કોણ પહેલું ખૂલે?

પરોઢિયે પંખીએ ગાયું ને આભ થયું રાતું,
કે આભ રાતું થયું ને પંખીનું ગળું ગયું ગાતું?
સૂરજ ઊગ્યો કે કમળ ઊઘડ્યું, ભેદ ન કોઈ ખૂલે.
પાન ઝીલે ઝાકળને…

વાંસળીએ શ્વાસ લીધો, કે શ્વાસે વાંસ જગાડ્યો?
નદીએ દરિયો શોધ્યો, કે દરિયે નદીને ઉપાડ્યો?
રાધા કાનમાં રમતી, કે કાન રાધામાં ઝૂલે?
પાન ઝીલે ઝાકળને…

તેં મને પકડી'તી આંગળી, કે મેં તારો હાથ?
પરાગ કહે, બેય મળ્યાં ત્યાં ક્યાં રહ્યો કોઈ સાથ?
એક જ ફૂલની મ્હેક બનીને, આપણ બેઉ ફૂલે.
પાન ઝીલે ઝાકળને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઇશારો જોઈનેઆગલો લેખ →શબ્દ પણ