પાગલ
લોકો કહે છે
એ પાગલ છે.
રોજ સાંજે
સ્ટેશને જઈને
છેલ્લી ગાડીની રાહ જુએ છે.
ગાડી આવે,
ઊભી રહે,
જાય.
એ પાછો આવે છે.
ચાલીસ વર્ષ પહેલાં
એ ગાડીમાંથી
કોઈ ઊતરવાનું હતું.
ના ઊતર્યું.
સ્ટેશન માસ્તર બદલાયા,
પાટા બદલાયા,
ગાડીઓ વીજળીની થઈ ગઈ.
એ નથી બદલાયો.
લોકો કહે છે
એ પાગલ છે.
હું વિચારું છું —
ચાલીસ વર્ષ સુધી
એક જ ગાડીની રાહ જોઈ શકે,
એટલું ડહાપણ
આપણામાંથી
કોની પાસે છે?
– પરાગ રતનપરા