પાછું આપ ને
કાગળે હોડી તરાવે ભાન પાછું આપ ને,
રેતના ઘરમાં ગવાતું ગાન પાછું આપ ને.
મા પરોઢે ફૂંક મારી ઠારતી’તી દૂધ જે,
ઘૂંટડાનું એ મને તો દાન પાછું આપ ને.
પીપળાનું પર્ણ મૂકી ચોપડીમાં રાખતો,
જીર્ણ જાળી થઈ ગયું જે, પાન પાછું આપ ને.
બાગમાં રંગીન પીંછાં ઊડતાં જોયાં હતાં,
પાંખ પાછળ દોડતું એ ધ્યાન પાછું આપ ને.
આ પરાગે શાલ, શ્રીફળ, મંચ સઘળું મેળવી,
પાટલી પર ઊભવાનું માન પાછું આપ ને.
– પરાગ રતનપરા
#ગઝલ #બાળપણ #નિર્દોષતા #સ્મરણ #નિશાળ #પરાગરતનપરા
#GujaratiGhazal #Childhood #Innocence #Nostalgia #SchoolDays #ParagRatanpara