← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછળ રહી ગયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાછળ રહી ગયું રે, મારું ઘણું બધું પાછળ રહી ગયું,
આગળ દોડ્યો હું, ને ગામ આંસુ થઈ વહી ગયું.

માની રોટલીની સુગંધ, ને બાપુજીનો ખોંખારો,
ભેરુઓની ટોળકી, ને નદીનો કાંઠો ન્યારો;
બધું સ્ટેશને ઊભું ઊભું ‘આવજે’ કહી ગયું…
પાછળ રહી ગયું રે…

પૈસા મળ્યા, પદવી મળી, ઊંચાં મળ્યાં મકાન,
પણ ખોવાયું ક્યાંક મારું ભોળું ભોળું ભાન;
દોડતાં દોડતાં જીવતર આખું હાથથી સરી ગયું…
પાછળ રહી ગયું રે…

પરાગ કહે: ફૂલ ડાળથી છૂટે, તોય ન ભૂલે મૂળ,
આગળ જાઓ, દૂર જાઓ, પણ સાચવજો એ ધૂળ;
પાછું વળી જોયું, તો ધૂળમાં જ મારું નામ રહી ગયું…
પાછળ રહી ગયું રે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમિત્રઆગલો લેખ →જાગ તું