પાછાં વળે
કુંજો ગયાં'તાં દૂર, ને ટાણે ફરી પાછાં વળે,
ને આંસુઓ પાંપણ લગી આવ્યાં, સરી પાછાં વળે.
ચૈતર ગયો, વૈશાખ પણ, આષાઢ પણ આવ્યો, ગયો,
ઋતુઓ બધી ઝોળી ભરી, ખાલી કરી પાછાં વળે.
વરસો પછી ગામે ગયો, ખંડેર ઘર ને ઓસરી,
ઉંબર ઉપર પગલાં અમારાં થરથરી પાછાં વળે.
નેતા ગયા'તા ગામમાં, પાંચે વરસનાં વાયદા,
ને લઈ મતોની પોટલી ઝટ ઝટ ભરી પાછાં વળે.
આ જિંદગીની સાંજ છે, ને રાહ જોતો હું, ‘પરાગ’,
જે જે ગયા, એ ખુદ જ વૈતરણી તરી પાછાં વળે?
– પરાગ રતનપરા
#ગઝલ #વળતર #પ્રતીક્ષા #સ્થળાંતર #જીવનનીસાંજ #પરાગરતનપરા
#GujaratiGhazal #Returning #Waiting #Homecoming #EveningOfLife #ParagRatanpara