← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાછા વળીએ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગાયો વળી ગઈ ગોંદરે, ભેરુ, હવે આપણે ય વળીએ,
દિવસ આખો રખડ્યા, હવે સાંજને પાદર મળીએ…

સૂરજ ઢળ્યો ટેકરી પાછળ, ખેતર થઈ ગ્યાં સૂનાં,
ઝાંપે ઊભી મા જુએ છે, ચૂલે રોટલા કૂણાં;
ધૂળ ઊડે ત્યાં ઘંટડી વાગે, ચાલો, ધીમા ન પડીએ…
ગાયો વળી ગઈ…

કેટલું ભાળ્યું, કેટલું દોડ્યા, મેળે મેળે ફરીને,
ખિસ્સાં ખાલી, હૈયું ભરિયું, આવ્યા પાછા તરીને;
દીવો કરીને ઘર બોલાવે, એના સાદમાં ભળીએ…
ગાયો વળી ગઈ…

પરાગ કહે: આ સાંજ નથી, આ ઉંમરનો છે ઢાળ,
જે વળવાનું ભૂલ્યા, એને ગળી જાય છે કાળ;
ઝાંપે પહોંચી માને ખોળે થાક ઉતારી ઢળીએ…
ગાયો વળી ગઈ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસમાયો છેઆગલો લેખ →દીકરીનું હાલરડું