ઓશિકે
જાગતી બેઠી રહી છે એ કિશોરી ઓશિકે,
આંખ ઝૂરે ચાંદને, જાણે ચકોરી ઓશિકે.
બારણું ખખડે, ચમકતી, ઊઠતી, જોતી પછી,
સ્વપ્ન આપે રાતભર ઝીણી ટકોરી ઓશિકે.
કોઈની આગળ રડી ના, ના કશું બોલી કદી,
રાત આખી આંસુઓની એ કટોરી ઓશિકે.
મા ભરતકામે ભરે છે ફૂલ-વેલી પ્રેમથી,
સોય સાથે ઝૂલતી રંગીન દોરી ઓશિકે.
ફૂલ ભરતાં એ હસી, ને મેં ય જોયું એ ‘પરાગ’,
લાજતી બેઠી સજીને એક ગોરી ઓશિકે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #યૌવન #મા #ભરતકામ #પરાગરતનપરા
#GujaratiGhazal #Waiting #YoungLove #Pillow #MothersHands #ParagRatanpara