ઊઠ જુવાન
ઊઠ જુવાન, ઊઠ હવે, ખોલ આંખની પાંખ,
ફોનના કાચ ઉપર નહીં, આભ ઉપર તું તાક.
ખેતર તારી વાટ જુએ છે, કૂવા જુએ છે ગાગર,
તારા પરસેવે જ ભરાશે સુકાયેલો આ સાગર;
રીલ ફેરવતી આંગળીએ હવે હળ પકડી રાખ.
ઊઠ જુવાન…
તલવાર નહીં, તું કલમ ઉપાડ, ઉપાડ તું ઓજારો,
અંધારાને ચીરી નાખે એવો કર ઝબકારો;
ભીતરનો રાવણ બાળીને કર તું એની રાખ.
ઊઠ જુવાન…
પરાગ કહે: ફૂલ ખીલે ત્યારે કાંટાને ના પૂછે,
પવન સામે જે ઝૂઝે, એની મ્હેક દૂર પહોંચે;
હાર-જીતનું ગણિત મૂકી ઊંચું રાખ તું નાક.
ઊઠ જુવાન…
– પરાગ રતનપરા