← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બુફે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લગનમાં બુફે ગોઠવ્યું રે, ડિશ લઈ ઊભું ગામ,
પહેલાં પનીર પર ત્રાટકે, પછી દાળનું ના લે નામ!

કાકા લાવ્યા ત્રીજી ડિશ, ને બોલ્યા: ‘ડાયટ છે આજ’,
કાકીએ જલેબી લેતાં ઓઢી ઘૂમટાની લાજ;
લાઇનમાં ધક્કામુક્કી, જાણે ચાલે કોઈ સંગ્રામ.
લગનમાં બુફે…

વરરાજા તો ઘોડે બેઠા, કોણ જુએ રે ફેરા?
ચમચી-વાટકી ખખડે, ત્યાં તો ઝાંખા ઢોલ-નગારાં;
ગોરમહારાજ મંત્ર ભૂલ્યા, જોઈ શ્રીખંડનું ઠામ.
લગનમાં બુફે…

પરાગ કહે: જમણવારે તો પંગત પાડી બેસતા,
માની જેમ પીરસનારા ‘થોડું લ્યો ને!’ કહેતા;
ઊભાં ઊભાં ખાવામાં ક્યાં એ હેતનો આરામ?
લગનમાં બુફે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખભગવાન પણઆગલો લેખ →ઊઠ જુવાન