ઊંઘમાં
નામ તારું રાતભર આ જીભ બોલે ઊંઘમાં,
ને પછી સૌ ભેદ મારા કોણ ખોલે ઊંઘમાં!
ઘોડિયામાં બાળ મલકે, કોણ જાણે શું જુએ,
ને પરીના દેશમાં એ મસ્ત ડોલે ઊંઘમાં.
માલવાહક હાથ એના રાતમાં પણ ના ઠરે,
બોજ આખો દી તણો, એ હાથ તોલે ઊંઘમાં.
હાથમાં માળા ધરી દાદા જપે છે રામને,
ને પછી તો રામજી પણ સાથ ઝોલે ઊંઘમાં.
આ ‘પરાગે’ જાગતાં જે ના કદી બોલ્યું હતું,
એ ગઝલ થઈ, પડ પછી પડ સાવ ફોલે ઊંઘમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ઊંઘ #સપનાં #શ્રમ #બાળપણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Sleep #Dreams #Labour #Innocence #ParagRatanpara