ઊંઘ છે?
સાત તાળાં ને તિજોરી બંગલે, પણ ઊંઘ છે?
રેશમી ગાદી બિછાવી મખમલે, પણ ઊંઘ છે?
ફૂટપાથે ઠારમાં પણ ઊંઘ ઘેરી છે, જુઓ,
હીટરો ઘરમાં ચડેલાં, કમ્બલે પણ ઊંઘ છે?
શાંતિ શોધી દૂર ભાગ્યા, ઝાડવાં વચ્ચે ગયા,
ફોન તો છે સાથમાં, તો જંગલે પણ ઊંઘ છે?
ઠાઠથી ઊંઘી શકે છે સંસદે નેતા બધા,
ને પ્રજાને રોજના આ દંગલે પણ ઊંઘ છે?
આ ‘પરાગે’ ઊંઘ જાણી એક માના ખોળલે,
એ પછી સંસારના કો અંચલે પણ ઊંઘ છે?
– પરાગ રતનપરા
#ગઝલ #ઊંઘ #સંપત્તિ #અજંપો #માનોખોળો #પરાગરતનપરા
#GujaratiGhazal #Sleeplessness #WealthAndWorry #InnerPeace #MothersLap #ParagRatanpara