ઊનનો કોટ
ચૂંટણી આવી
એટલે વરુએ
ઊનનો કોટ સિવડાવ્યો.
ઘેટાંઓની સભામાં જઈ
એ બોલ્યું:
‘હું પણ તમારામાંનો એક છું,
જુઓ, મારી પાસે પણ ઊન છે!’
ઘેટાંઓએ
તાળીઓ પાડી,
હાર પહેરાવ્યા,
ને મત આપ્યા.
પાંચ વર્ષ પછી
ફરી ચૂંટણી આવી.
આ વખતે
વરુના કોટનું ઊન
વધારે જાડું હતું,
વધારે ઊજળું હતું —
ને સભામાં
ઘેટાં
થોડાં ઓછાં હતાં.
– પરાગ રતનપરા