ઊગી ગયાં
ગામ છોડ્યું તો ઘરે પણ ઝાંખરાં ઊગી ગયાં,
ને નગરની ફૂટપાથે ઝૂંપડાં ઊગી ગયાં.
એક ઠૂંઠું, એક આશા, ને પછી વરસાદ બસ,
કાપનારો જોઈ રહ્યો, પાંદડાં ઊગી ગયાં.
વાયદાના ડામરે મઢ્યો હતો રસ્તો નવો,
એક ઝાપટમાં જ પાછાં કાંકરાં ઊગી ગયાં.
બાપ ગ્યા ને ભાઈઓએ ભાગ પાડ્યા ઘરતણા,
એક ભીંતે બે નવાં ત્યાં બારણાં ઊગી ગયાં.
એક નાનું બીજ વાવ્યું’તું ‘પરાગે’ પ્રેમનું,
આયખાની ધૂળમાં સૌ ઓરતાં ઊગી ગયાં.
– પરાગ રતનપરા
#ગઝલ #ગામ #સ્થળાંતર #વહેંચણી #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #AbandonedVillage #Migration #DividedHome #Hope #ParagRatanpara