← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઊભા થશું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હાર ખાશું લાખ વેળા, હારથી ઊભા થશું,
ભાર વેઠીશું, પછી એ ભારથી ઊભા થશું.

કાળ દાતરડું બનીને વાઢશે, વાઢે ભલે,
મૂળ ઊંડાં છે, અમે એ ધારથી ઊભા થશું.

ચાબખા વીંઝો, લગાવો દંડ, બેડી નાખજો,
સત્યના રસ્તે અમે, એ મારથી ઊભા થશું.

તેં ભલે પાછું વળી જોયું નહીં, તો પણ સખી,
યાદ રાખી, એ જ ભીના પ્યારથી ઊભા થશું.

એ જ માટી, મૂળ પણ એ, ને પરાગે બીજ છે,
માત્ર ઝાકળ જેટલા આધારથી ઊભા થશું.

– પરાગ રતનપરા

#ગઝલ #ખુમારી #હિંમત #સંઘર્ષ #આશા #પરાગરતનપરા
#GujaratiGhazal #Resilience #RiseAgain #Courage #Hope #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતને સાચવુંઆગલો લેખ →ઢાળ્યો છે ખાટલો