← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓળખાણ પડી?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઓળખાણ પડી? હું એ જ,
જેના ખિસ્સે રહેતો તારો રૂમાલ ને તારો ભેજ!

કૉલેજના એ લીમડા નીચે બેઠો’તો જે ચૂપ,
તારી બે લટ ઊડતી જોઈ થઈ જાતો જે ધૂપ;
આજે ચશ્માં જાડાં, વાળે ચાંદીની છે સેજ…
ઓળખાણ પડી?…

તેં પણ ઘર માંડ્યું, મેં પણ, સૌની ચાલી રીત,
કોઈ ખૂણે સાચવી રાખ્યું અધૂરું એક ગીત;
આજ અચાનક બજાર વચ્ચે ઝબકી ઊઠ્યું તેજ…
ઓળખાણ પડી?…

પરાગ કહે: ના માગું કંઈ, ના કરું ફરિયાદ,
બસ એટલું કહી દે કે ‘હા, મને પણ છે યાદ’;
પછી ભલે તું ચાલી જાજે, હું હસતો રહીશ સહેજ…
ઓળખાણ પડી?…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપગલાંઆગલો લેખ →છેદ