છેદ
વાંસ કહે: મારે અંગે અંગે કેમ પાડ્યા છે છેદ?
કાનો હસીને બોલ્યો: ‘એ જ તો સૂરનો ભેદ!’
વનમાં ઊભો’તો તું અક્કડ, પવન અડે ને ખખડે,
કોઈ ન સાંભળે તારું ગાણું, ડાળ ડાળ ઝઘડે;
હવે તું ખાલી થઈ ગયો, તો ગાય છે વેદ…
વાંસ કહે…
ઘા પડ્યા ત્યાં જ અજવાળાં, પીડા ત્યાં જ ગીત,
ભરેલાં ઘડામાં ક્યાં ગુંજે કોઈ મધુર સંગીત?
આંસુ ભીની આંખે જ દેખાય પ્રભુનો નેહ…
વાંસ કહે…
પરાગ કહે: હું ય પોલો છું, મુજમાં કાણાં સાત,
ફૂંક કોઈની વાગે તો બનું વાંસળીની વાત;
છેદ વિનાનો હોત તો રહેત લાકડું, ખેદ…
વાંસ કહે…
– પરાગ રતનપરા