ઓક્સિજન
આઈ.સી.યુ.ના કાચની પેલે પાર
બાપુ સૂતા છે.
નાક પર નળી,
છાતી પર તાર,
ને પડખે એક મશીન
જે આખી રાત
એમના શ્વાસ ગણે છે.
આખી જિંદગી
બાપુએ ખેતરમાં
દાણા ગણ્યા,
વરસાદનાં ટીપાં ગણ્યાં,
અમારી ફીના રૂપિયા ગણ્યા.
આજે પહેલી વાર
કોઈ બીજું
એમનું ગણી રહ્યું છે.
હું બહાર બાંકડે બેઠો બેઠો
મશીનનો ટક-ટક અવાજ સાંભળું છું
ને મનોમન કહું છું:
‘ભાઈ, જરા ધીમે ગણજે,
આ પાક
ઉતાવળે લણવા જેવો નથી.’
– પરાગ રતનપરા