ઓડિટ
એક રાત
જિંદગી
ચશ્માં પહેરીને
મારા ટેબલ પર બેઠી —
ઓડિટ માટે.
‘સાઠ વરસ.
ખર્ચ બોલો.’
મેં ફાઈલ ખોલી:
ઑફિસ — આડત્રીસ વરસ.
ટ્રાફિક — છ વરસ.
ઊંઘ — વીસ.
ફોન — ખબર નથી, ગણ્યો નથી.
‘ને બાળકો?’
‘રવિવારે… ક્યારેક.’
‘મા?’
‘દિવાળીએ.’
‘તું પોતે?’
હું ચૂપ.
એણે પેન મૂકી,
ચશ્માં ઉતાર્યાં,
ને બોલી:
‘હિસાબ મળતો નથી.
પણ ચિંતા ન કર —
હજી થોડું ખાતું
ખુલ્લું છે.’
સવારે
હું પહેલી વાર
દીકરીને
નિશાળે
મૂકવા ગયો.
– પરાગ રતનપરા