ઓચિંતું તેડું
પિયરથી ઓચિંતું તેડું, ભાઈ લેવા આવ્યો,
મારે ઘેરથી માડીની મીઠી ગંધ ઘરે લાવ્યો.
ચૂલે મૂકી ખીચડી, ને અડધાં મૂક્યાં કામ,
દોડી ગઈ હું ડેલીએ, સાંભળ્યું જ્યાં મારું નામ;
વીરાએ લાવી ચૂંદડી, ને સાથે ગોળ ચખાવ્યો…
પિયરથી ઓચિંતું તેડું…
સાસુ કહે: ‘જા, પણ વહેલી આવજે, ઢોર છે ઘરમાં,’
સાયબો ચૂપ, પણ આંખો બોલે: ‘ના જજે લાંબા પ્રહરમાં;’
મેં ઘૂંઘટમાં હસીને કીધું: ‘તમે ય સાથે આવો’…
પિયરથી ઓચિંતું તેડું…
પરાગ કહે: આ દીકરી તો, બે ઘરની છે ડાળી,
પિયર પાછું સાંભરે, ને સાસરિયું સંભાળી;
બે ગામ વચ્ચે ઝૂલે ઝૂલો, હેતનો હિલોળો આવ્યો…
પિયરથી ઓચિંતું તેડું…
– પરાગ રતનપરા