ઓચિંતું ઝાપટું
કોરી કોરી હું તો હાલી’તી હાટ, ને ઓચિંતું ઝાપટું આવ્યું રે,
ભીંજાવું નો’તું ને ભીંજાઈ ગઈ, કોણે આ ઝાપટું મોકલાવ્યું રે?
માથે મેલી’તી મેં છાબડી ખાલી, ને હાથમાં ચાંદીનો છલ્લો,
વાટે મળ્યો’તો એક વણઝારો, આંખ્યુંનો સાવ રે ખુલ્લો;
એણે તો કાંઈ ના કીધું, ને આભે શું ગાજી સંભળાવ્યું રે?
ઓચિંતું ઝાપટું…
ઓઢણી ભીંજી, કમખો ભીંજ્યો, ભીંજ્યાં કાજળની રેખ,
પાંપણે બાઝ્યાં ટીપાં એવાં, જાણે ઝળહળતા લેખ;
લાજ મરું છું, સખી, મેં આ શું રે ભીંજાતાં ભીતર વાવ્યું રે?
ઓચિંતું ઝાપટું…
પરાગ કહે: આ ઝાપટું ક્યાં રે વાદળમાંથી ઊતર્યું,
એ તો વણઝારાની નજરેથી હૈયા પર થઈ ઝરમર્યું;
કોરી રહેવાનું વ્રત લીધું’તું, તે આજ ભીંજાતાં ભાવ્યું રે!
ઓચિંતું ઝાપટું…
– પરાગ રતનપરા