ઓછું પડે
હેત બાનું એટલું કે ખોરડું ઓછું પડે,
રાત ઢળતાં વાત એવી, ઓરડું ઓછું પડે.
છાંયડો માગે બધા, પણ ઝાડ વાવે કોણ, ભઈ?
ભરબપોરે ગામ આખું, પાંદડું ઓછું પડે.
હોઠ પર મુસ્કાન રાખી, ઘાવ ઝીલ્યા, એ કહે:
ધોધ જેવી વેદનાને આંસુડું ઓછું પડે.
ફ્લેટ ત્રણ, બે બંગલા, ને ફાર્મહાઉસ સાથમાં,
તોય નેતાને ગરીબી-ઝૂંપડું ઓછું પડે!
આ પરાગે કાગળો માટે કપાવ્યાં ઝાડ બહુ,
અંતમાં ચેહે જુઓ તો લાકડું ઓછું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #મા #વેદના #વ્યંગ #વૃક્ષ #પરાગરતનપરા
#GujaratiGhazal #MothersLove #Pain #PoliticalSatire #SaveTrees #ParagRatanpara