ઓછું પડે
તું ઘરે આવે અને આ આંગણું ઓછું પડે,
વ્હાલ એવું ઊમટે કે બારણું ઓછું પડે.
દીકરીનું હાસ્ય એવું, હરખ મનમાં ના સમે,
લાવ, આખું આભ બાંધું, પારણું ઓછું પડે.
શીતની રાતે બધું ભેગું થયું’તું ગામ, ને
વાત એવી ઊકળી કે તાપણું ઓછું પડે.
મા વિના ઓઢું ભલેને શાલ લાખેણી, છતાં
ટાઢ એવી હાડમાં કે ઓઢણું ઓછું પડે.
જ્યારથી દુનિયા ‘પરાગે’ ઘર સમી માની, પછી
હુંપણું તો ઠીક, પણ આ ‘આપણું’ ઓછું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #દીકરી #મા #વસુધૈવકુટુંબકમ #પરાગરતનપરા
#GujaratiGhazal #AbundantLove #Daughter #MissingMother #OneWorldFamily #ParagRatanpara