ઓછું નથી
એક નાનું ઘર અને આ આંગણું ઓછું નથી,
રાહ જોતું રોજ સાંજે બારણું ઓછું નથી.
ટાઢ પડતી હોય ત્યારે ચાર જણ ભેગા મળે,
હૂંફ આપે સૌ જણાને તાપણું ઓછું નથી.
છાપરું ચૂએ ભલે ને, ભીંત પણ ઝૂકી ભલે,
બાળ હસતું હોય જેમાં, પારણું ઓછું નથી.
રાજ લઈ લો, તાજ લઈ લો, સૌ ખજાના, શેઠિયા,
આ ખરા દિલથી કહેલું ‘આપણું’ ઓછું નથી.
આ ‘પરાગે’ રેશમી શાલો કદી માગી નહીં,
મા તણું ફાટેલ જૂનું ઓઢણું ઓછું નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #ઘર #મા #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #HomeSweetHome #MothersShawl #ParagRatanpara