‘ઓ મા!’
મારો દીકરો
અંગ્રેજીમાં સપનાં જુએ છે,
હિન્દીમાં ગીતો ગાય છે,
અને ગુજરાતીમાં
ફક્ત
દાદી સાથે ઝઘડે છે.
મને ચિંતા નથી.
એ ઝઘડો
આપણી ભાષાની
સૌથી ગરમ નસ છે —
ગુસ્સો, વહાલ ને રિસામણું
ત્રણેય
એક જ શ્વાસમાં.
ચિંતા તો ત્યારે થશે,
જ્યારે
એક દિવસ
એને ઠેસ વાગશે,
અને મોઢેથી
‘ઓ મા!’
નહીં નીકળે.
– પરાગ રતનપરા