નંબર
મા ગયાને
ત્રણ વરસ થયાં,
પણ એનો નંબર
હજી ફોનમાં ‘મા’ નામે જ સેવ છે.
ક્યારેક
રાતે મોડું થાય,
ને હાથ આપમેળે
એ નંબર દબાવી દે છે.
સામેથી
એક અજાણી સ્ત્રીનો
યાંત્રિક અવાજ આવે છે:
‘આપ જે નંબર ડાયલ કરો છો
તે અસ્તિત્વમાં નથી.’
હું કહું છું:
‘ખબર છે.’
ને ફોન મૂકતાં પહેલાં
એક ક્ષણ
થોભી જાઉં છું —
કદાચ
પેલી અજાણી સ્ત્રી
પાછળથી
‘જમ્યો, બેટા?’ પૂછી બેસે.
– પરાગ રતનપરા