નિશાળનો પહેલો દા’ડો
દફતર લઈને દીકરો ચાલ્યો પહેલે દા’ડે નિશાળ,
માની આંગળી છોડતાં એની આંખે ઊગ્યું વ્હાલ.
દરવાજે ઊભો રડ્યો, ‘મા, મારે નથી જાવું,’
માએ કીધું: ‘સાંજે તને લેવા પાછી આવું’;
બારીએથી ડોકિયાં કરે, ગણે ઘડિયાળની ચાલ…
દફતર લઈને…
બેન આવ્યાં, હસીને બોલ્યાં, ‘લે, આ ચૉકલેટ તારી,’
બાજુમાં બેઠો ભેરુ, એણે ખોલી પેન્સિલ-પેટી ન્યારી;
બપોર થઈ ત્યાં ડબ્બો વહેંચ્યો, ભૂલી ગયો સૌ હાલ…
દફતર લઈને…
પરાગ કહે: દરેક શરૂઆત પહેલે દા’ડે નિશાળ,
પહેલાં રડવું, પછી હસવું, પછી ઊઘડે આખો કાળ;
સાંજે મા લેવા આવી, દીકરો કહે: ‘ફરી જઈશ કાલ!’
દફતર લઈને…
– પરાગ રતનપરા