નિશાળ
પાદરે ઊભી હજી, એ સાવ સરકારી નિશાળ,
છાપરું તૂટ્યું છતાં, લાગે ઘણી પ્યારી નિશાળ.
ના ભવન, ના બેન્ચ, ના પંખા, ન દીવા, તોય ત્યાં
પાંચ ધોરણ, એક માસ્તર, ઓરડે ન્યારી નિશાળ.
મોલ જેવી ‘સ્કૂલ’, ને ફી લાખની ઊંચી ભરે,
ગામમાં ઊભી રહી ગઈ, એક લાચારી નિશાળ.
ઘંટ છેલ્લો વાગતો, ને દોડતાં’તાં ઘર ભણી,
આજ પણ એ ઘંટ પર મન જાય છે વારી, નિશાળ!
આ પરાગે બાળપણમાં જ્યાં કલમ ઝાલી પ્રથમ,
એ જ મારા શબ્દ-ફૂલોની નવી ક્યારી, નિશાળ.
– પરાગ રતનપરા
#ગઝલ #નિશાળ #ગામનીશાળા #બાળપણ #શિક્ષણ #પરાગરતનપરા
#GujaratiGhazal #VillageSchool #Childhood #Education #Nostalgia #ParagRatanpara