← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નેવાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નેવેથી ટપ ટપ ટપકે રે ટીપાં, આંગણે ગાજે ગીત,
ટીપે ટીપે સાંભરે, સખી, પેલી પહેલી પ્રીત.

ઓસરીએ અમે બેઉ બેસી ગણતાં ટીપાંની હાર,
એ ગણતો ને હું ભૂલી જતી, હસવું આવે વારંવાર;
ટીપાં સાથે ગણાઈ ગઈ’તી જીવતરભરની રીત…
નેવેથી ટપ ટપ…

નેવાં તો એ જ, ને એ જ ઓસરી, એ જ જૂનું ઘર,
એ ગયો પરદેશ, ને મારી આંખે ટપકે ઝરમર;
નેવું ટપકે બહાર, ને અંદર ટપકે એનું ગીત…
નેવેથી ટપ ટપ…

પરાગ કહે: નેવાં નીચે બેડું મૂક્યું’તું ખાલી,
ટીપે ટીપે ભરાઈ ગયું, જેમ ભરાય વહાલી;
ટીપે ટીપે પાછો આવશે મારો મનનો મીત…
નેવેથી ટપ ટપ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથાકી ગયોઆગલો લેખ →જોકર