← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નેતાજીના ઉપવાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નેતાજી બેઠા ઉપવાસે, મંડપ મોટો તાણ્યો રે,
આગળ ખાલી પ્યાલો જળનો, પાછળ થાળ મંગાવ્યો રે.

ટીવીવાળા દોડ્યા આવ્યા, કૅમેરા મંડાયા,
નેતાજીના મુખ પર તરત ઉદાસી-રંગ છવાયા;
ભૂખ્યા ગામની વાત કરીને કંઠ ભારે ભીંજાવ્યો રે.
નેતાજી બેઠા ઉપવાસે…

રાત પડી ને લાઇટ ગઈ, ત્યાં ટિફિન ખૂલ્યાં ચાર,
ખીચડી, કઢી, પાપડ, ભજિયાં, ઉપર શ્રીખંડ-ધાર;
સવારે બોલ્યા: ‘અન્નનો દાણો ક્યાં મેં ચાખ્યો રે?’
નેતાજી બેઠા ઉપવાસે…

પરાગ કહે: ત્રણ દિવસે પારણાં, ફૂલહાર ને તાળી,
ગામના ઘરમાં ચૂલા ઠંડા, ગામની થાળી ખાલી;
ઉપવાસ તો ગામે કીધો, જશ નેતાએ લૂંટ્યો રે.
નેતાજી બેઠા ઉપવાસે…

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખબસ માગતોઆગલો લેખ →એક ક્ષણ