બસ માગતો
ક્યાં કનક કે ક્યાં રજત? એ તો હૃદય બસ માગતો,
દીવડા-ઘંટા નહીં, એ તો પ્રણય બસ માગતો.
દેવ માટે ભવ્ય મંદિર, સ્વર્ણ કેરા ગોખલા,
દ્વાર પર ઊભો રહી, એ તો વિનય બસ માગતો.
દાનપેટીમાં ભરી નોટો, અમે ફૂલી ગયા,
એ ગરીબોના ઘરે જઈ પળ સમય બસ માગતો.
શંખ-ઝાલર-નોબતોના શોરમાં ભૂલ્યા અમે,
દિલ તણા ધબકારનો એ એક લય બસ માગતો.
ફૂલ ના તોડો, પરાગે દેવની વાણી સુણી,
ડાળ પર ખીલ્યું રહે, એવો અભય બસ માગતો.
– પરાગ રતનપરા
#ગઝલ #ભક્તિ #સાચીપૂજા #ઈશ્વર #નિર્મળમન #પરાગરતનપરા
#GujaratiGhazal #TrueDevotion #Bhakti #PureHeart #GodWithin #ParagRatanpara