ચૂપ છું
આંખ બોલે છે બધુંયે, સાંભળીને ચૂપ છું,
હોઠ પર આવેલ શબ્દો ઓગળીને ચૂપ છું.
પથ્થરોની ભીંસમાં જે રીત ઝરણું ગૂંગળે,
એમ હું ભીતર જ મારી ખળભળીને ચૂપ છું.
દીવડો બોલે નહીં, બસ રાતભર બળતો રહે,
રાતભર હું યાદમાં તારી, બળીને ચૂપ છું.
આયનો જૂઠો હતો ને જિંદગી પણ છળ હતી,
આ જગતના સૌ છળોને હું ગળીને ચૂપ છું.
ફૂલ સાથે વાત કરવા શબ્દ શું કામે, પરાગ?
એ સુગંધે શ્વાસમાં હું તો ભળીને ચૂપ છું.
– પરાગ રતનપરા
#ગઝલ #મૌન #આંખોનીભાષા #વિરહ #અંતર્મન #પરાગરતનપરા
#GujaratiGhazal #Silence #LanguageOfEyes #Longing #InnerWorld #ParagRatanpara