← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવ મહિના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નવ મહિના
એણે ઉંઘમાં પણ પડખું ન ફેરવ્યું —
રખે ને અંદર કોઈને વાગી જાય.

નવ મહિના
એણે ખાટું ખાધું, મીઠું છોડ્યું,
પોતાની ભાવતી ચીજોની
એક લાંબી યાદી
મનમાં જ ફાડી નાખી.

નવ મહિના
એ પોતાની જાત સાથે નહીં,
કોઈ અજાણ્યા મહેમાન સાથે
વાતો કરતી રહી —
જે હજી બોલતો પણ નહોતો.

ને પછી
એક રાતની ચીસ પછી
ઘરમાં એક નાનો અવાજ રડ્યો.

સૌ બોલ્યા: ‘દીકરો આવ્યો!’
કોઈ ન બોલ્યું:
‘આજે એક મા પણ જન્મી છે,
જેની ઉંમર
આજથી ગણાશે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખગોરીએ ગૂગલ-પે માગ્યુંઆગલો લેખ →બુઢાપો